ગાંધીપુરા, વાંઠવાળી તેમજ શત્રુંડા નજીક અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યાં : પાંચને ઈજા પહોંચી

નડિયાદ: ખેડા તાલુકાના ગાંધીપુરા તેમજ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી અને શત્રુંડા નજીક વિતેલા ચોવીસ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવો બન્યાં હતાં. આ ત્રણેય અકસ્માતોમાં મળી કુલ પાંચ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતાં. તેમજ પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે જે તે પોલીસમથકે નોંધીયેલી ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડાના ગાંધીપુરા નજીક વાહનની અડફેટે બાઈક પર સવાર યુવકનું મોત : પિતાને ઈજા

ખેડા ગામમાં આવેલ દલાલ ટેકરા વિસ્તારમાં રહેતાં પંકજભાઈ ભગુભાઈ વાઘેલા અને તેમનો પુત્ર પરેશ ગત સોમવારના રોજ બાઈક નં જીજે ૦૭ સીએ ૬૨૭૨ લઈને કડિયાકામની મજુરી અર્થે નાયકા ગામે ગયાં હતાં. જ્યાં દિવસભર મજુરીકામ કર્યાં બાદ સાંજના સમયે પિતા-પુત્ર બાઈક લઈને પરત ઘરે જવા નીકળ્યાં હતાં. સાંજે છ વાગ્યાના અરસામાં તેઓ ખેડા તાલુકાના ગાંધીપુરા નજીકથી પસાર થઈ રહ્યા હતાં. તે વખતે માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે આવતાં કોઈ અજાણ્યાં વાહનના ચાલકે પંકજભાઈના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકના ચાલક પંકજભાઈ તેમજ બાઈક પાછળ બેઠેલાં તેમના પુત્ર પરેશને માથા સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બંનેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પરેશભાઈ પંકજભાઈ વાઘેલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પંકજભાઈ ભગુભાઈ વાઘેલાની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંઠવાળી નજીક પાર્ક કરેલી ટ્રક પાછળ આઈસર ઘુસી : આઈશરના ચાલક અને ક્લિનરનું મોત

મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગત મોડી રાત્રીના સમયે પસાર થતી એક ટ્રક નં જીજે ૧૩ એક્સ ૦૦૦૭ માં ખામી સર્જાતાં એકાએક રોડ વચ્ચે ઉભી રહી ગઈ હતી. જેથી ટ્રકનો ચાલક અને ક્લિનર બહાર ઉતર્યા હતાં. બરાબર તે જ વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી આઈશર નં આરજે ૦૪ જીસી ૧૦૧૧ રોડ વચ્ચે ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી.

આ અકસ્માતમાં આઈશરના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આઈશરનો ક્લિનર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. તેને એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આઈશરના ક્લિનરનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી ‌વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શત્રુંડા નજીક રીક્ષા-બાઈક વચ્ચે સર્જાયેલાં અકસ્માતમાં બે મહિલાઓના મોત : ચારને ઈજા

મહેમદાવાદ તાલુકાના માંકવા ગામમાં રહેતાં કમળાબેન કાળાભાઈ ડાભી અને રમીલાબેન કનુભાઈ ડાભી ગત મંગળવારના રોજ બપોરના સમયે સીએનજી રીક્ષા નં જીજે ૦૭ વીડબલ્યું ૧૦૧૫ માં બેસી મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામમાં આવેલ પ્રાથમિક શાળા નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે રીક્ષાના ચાલકે રોડની સાઈડમાં ઉભેલી કારની ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી એક મોટરસાઈકલ નં જીજે ૦૭ બીઈ ૧૨૫૪ ને ટક્કર મારી હતી. દરમિયાન રીક્ષાચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા પણ પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ અને રીક્ષાચાલકને ઈજા પહોંચી હતી. જ્યારે રીક્ષામાં સવાર કમળાબેન કાળાભાઈ ડાભી અને રમીલાબેન કનુભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હિંમતસિંહ રામસિંહ ડાભીની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Related Posts