Charotar

ખંભાતમાં પાસાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

એલસીબીના 3 સહિત 4 જવાન ઘાયલ થયા, ખંભાત પોલીસે 23ની અટકાયત કરી

આણંદ.
ખંભાતના પાધરીયા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ આણંદ અને સીટી પોલીસ પર હુમલો થયો હતો. આ અંગે અક્ષય ઉર્ફે લલ્લો ચુનારા સહિત 54 શખ્સ સામે નામજોગ અને 30 અજાણ્યા સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાત સીટી પોસ્ટે અગાઉ રાહુલ ભટ્ટ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા અને પાસાનો હુકમ થયો હોવા છતાં નાસતા ફરતા અક્ષય ઉર્ફે લલ્લો ચુનારાને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, ખંભાતમાં રહેતો અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા વિરુદ્ધ પાસાની કાર્યવાહી થયેલી છે અને તે નાસતો ફરતો હતો. દરમિયાનમાં 28/09/2026 ના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં અક્ષય ઉર્ફે લલ્લો પોતાના ઘરે ખંભાતના પાધરીયા વિસ્તારમાં હાજર હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, આણંદ અને ખંભાત સીટી પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે પાધરીયા વિસ્તારમાં અક્ષય ઉર્ફે લલ્લોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન અક્ષય ઉર્ફે લલ્લો ચુનારા, તેના સાગરીતો અને આજુબાજુના રહીશોએ એકસંપ કરી પોલીસ ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસના 4 જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી અને ફરજ પરના જાહેર સેવક ઉપર હુમલો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અક્ષય ઉર્ફે લલ્લો ચુનારા સહિત 54 આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને અન્ય 30 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ ખંભાત પાધરીયા વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 23 જેટલા શખ્સો ની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વધુ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

Most Popular

To Top