બાગની શોભા વધારવા લાખો રૂપિયા ખર્ચી લગાવેલા સ્ટેચ્યુ અને ઝાડોની સંભાળ અને જાળવણીમાં પાલિકા નિષ્ફળ
નગરજનોના ટેક્સના રૂપિયાનો વેડફાટથી પાલિકાના વહીવટ પર લોકોનો ક્રોધ
વડોદરા : શહેરના ઐતિહાસિક સયાજી બાગ (કમાટી બાગ)માં થોડા સમય પહેલા શહેરના સૌંદર્ય અને પર્યટકોના આકર્ષણમાં વધારો કરવા માટે વાઘ, જિરાફ, ઝેબ્રા જેવા વિવિધ જાનવરોના સ્ટેચ્યુ સાથે પ્લાસ્ટિકના ઝાડ પણ લગાવવામાં આવ્યા હતા. આ કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ સ્ટેચ્યુ અને ઝાડોની હાલત ખરાબ થઈ ગઈ છે.

બાગમાં લગાવેલા જાનવરોના સ્ટેચ્યુમાંથી કેટલાકનો કલર ઉખડી ગયો છે, તો કેટલાકમાં પોપડા ઉખડી ગયા છે, જ્યારે કેટલાક તૂટેલી હાલતમાં જોવા મળે છે. આ જ પ્રકારે પ્લાસ્ટિકના ઝાડો પણ બગડી ગયા છે. આથી બાગમાં આવતા લોકોને નિરાશા થાય છે અને શહેરના સૌંદર્યને ધક્કો લાગ્યો છે.

સ્ટેચ્યુ અને ઝાડો લગાવ્યા પછી પાલિકા દ્વારા તેમની સંભાળ રાખવામાં સદંતર નિષ્ફળતા જોવા મળી છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે માત્ર ખર્ચાઓ કરી મૂકેલા સ્ટેચ્યુ દેખાડો પૂરતા મૂકવામાં આવ્યા હતા, તેમની સંભાળ અને જાળવણી વિશે કોઈ ગંભીરતા લેવામાં આવી નથી.
વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા નગરજનોના ટેક્સના રૂપિયાનો વેડફાટ થતો હોવાનો આરોપ સ્પષ્ટ થાય છે. માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરતા હોય તેવી અભિપ્રાયો સ્થાનિક નાગરિકો તરફથી વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
પર્યટકોની માંગ છે કે પાલિકા દ્વારા આવા પ્રોજેક્ટ્સની સંભાળ અને જાળવણી પર ધ્યાન આપવું જોઈએ. શહેરના સૌંદર્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને લાંબા ગાળે ટકાઉ ઉપાયો અપનાવવાની જરૂર છે.
મહાનગરપાલિકાને આ બાબતમાં કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ્સ માટે સંભાળ અને જાળવણીની જવાબદારી સ્પષ્ટ કરવી જોઈએ, જેથી નગરજનોના ટેક્સનો ખર્ચ વ્યર્થ ન જાય.
