હાલ જે ચેકડેમનું બાંધકામ થયું છે તે જમીન લેવલથી ૨-૩ ફૂટ નીચે બનાવાયો છે, જેના કારણે તેમાં પાણી એકઠું થવાની કોઈ સંભાવના નથી
કપડવંજ; કપડવંજ તાલુકાના નવાગામ રોડ પાસે આવેલી વરાસી નદી પર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ બનાવવામાં આવેલા ચેકડેમમાં ગંભીર તાંત્રિક ખામીઓ અને ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ ચેક ડેમ નું ટેન્ડર રૂ.૨,૩૯,૯૭,૭૭૮ રૂપિયાનું હતું જેમાં કોન્ટ્રાકટર કનુભાઈ જે. પટેલ મહેસાણા દ્વારા ૩૧.૩૪% નીચા ભાવ ભરવાથી ૧,૬૪,૭૬,૮૭૪ રૂપિયા નું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું . ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પરેશભાઈ ભીખાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, હાલ જે ચેકડેમનું બાંધકામ થયું છે તે જમીન લેવલથી ૨-૩ ફૂટ નીચે બનાવાયો છે, જેના કારણે તેમાં પાણી એકઠું થવાની કોઈ સંભાવના નથી. જ્યારે ટેન્ડર દસ્તાવેજ અનુસાર ચેકડેમ આશરે ૮ થી ૧૦ ફૂટ ઊંચો હોવો જરૂરી હતો.

તેઓએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ભ્રષ્ટાગ્રસ્ત મિલીભગતના કારણે સરકારના કરોડો રૂપિયાનો વ્યર્થ ખર્ચ થયો છે. ગુજરાતના અન્ય ચેકડેમોની સરખામણીએ પણ સ્પષ્ટ થાય છે કે વરાસી નદી પરના ચેકડેમમાં તાંત્રિક ખામીઓ થઈ છે, જેના કારણે આજુબાજુના 20 જેટલા ગામોના ખેડૂતોને આગામી સમયમાં ગંભીર પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે.
પરેશભાઈ પટેલે ઉચ્ચ સ્તરની તપાસ હાથ ધરવા તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તાત્કાલિક માગ કરી છે. હાલ આ અરજી રાજ્યના વોટર રિસોર્સ વિભાગના મુખ્ય ઇજનેર એમ.ડી. પટેલ પાસે “Under Process” સ્થિતિમાં છે.
વિસ્તારના સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને તેઓ ભવિષ્યમાં સંગઠિત થઈ અધિકારીઓ સામે સત્તાવાર રીતે લડત આપવાનું વિચારી રહ્યા છે.
ખેડૂતોની સ્પષ્ટ માગણી છે કે ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચાર અટકાવવા માટે ગામ સ્તરે વિશેષ મોનીટરીંગ કમિટીઓ રચવામાં આવે અને તમામ સરકારી કામોની તટસ્થ અને પારદર્શક તપાસ કરવામાં આવે.
