*શહેરમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા તંત્રમાં દોડધામ*
*વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં ઠેરઠેર મેલેરિયા, ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખીને સર્વેની કામગીરી શરૂ કરાઇ*
(પ્રતિનિધિ) વડોદરા તા.03
શહેરમાં ગત 24 જુલાઇ ના રોજ તથા ત્યારબાદ 26 જુલાઇ અને 29 જુલાઇના રોજ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદ તથા ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવેલા પાણીથી શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા જે વરસાદી પાણીના નિકાલ અને પાણી ઓસરતા ત્રણેક દિવસ લાગ્યા હતા. વરસાદી પાણી ઉતર્યા બાદ શહેરમાં ઠેરઠેર દૂષિત, ડહોળું પાણી આવતા વેરો ભરતી જનતાને પાલિકાના પાપે હેરાન થવાનું તેમજ પાણીજન્ય રોગચાળાને કારણે દવાખાનામાં ખર્ચા કરવા, પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ શરૂ થઇ ગયો છે. ઠેરઠેર ગંદકી ને કારણે તથા વરસાદી પાણીના કારણે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે શનિવારે એક જ દિવસમાં શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમાં ચાર જેટલા ડેન્ગ્યુના કેસો આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમાં ઓપીડીમા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરરોજના ઘણાં દર્દીઓ એસ.એસ.જી.હોસ્પિટલમાં ઓપીડી ની લાઇનમાં જોવા મળી રહ્યાં છે. શંકાસ્પદ 46 જેટલા કેસો ડેન્ગ્યુના નોંધાયા છે જ્યારે મેલેરિયાના ના કેસોમા પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં ઘરેઘર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે ફોગિંગ, દવા છંટકાવની તેમજ પાણીમાં ક્લોરિન ની ગોળીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સફાઇની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
