( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેરના સેન્ટ્રલ એસ.ટી. ડેપો નજીક આવેલી હોટલ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ બાદ અચાનક આગ લાગતા બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મોટો અવાજ થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, એસટી ડેપો નજીક શેરા હોટલની બાજુમાં આવેલા જીઈબીના વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા જ નજીક આવેલી ફરામજી ચાલીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ, હોટલમાં ચાલી રહેલા માંગલિક પ્રસંગમાં હાજર લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. જીઈબીની ટીમે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.