Columns

આ ભારેલો અગ્નિ ભભૂકી ઊઠશે ત્યારે…

કેટલાક ભવ્ય કહેવાતા ભૂતકાળ ભવ્યને બદલે ભય પમાડનાર વધુ હોય છે. ગૌરવ લઈ શકવાને બદલે વાદ-વિવાદ વધુ સર્જે એવા હોય છે.  છેલ્લા દસેક દિવસનાં અખબારોથી લઈને TV પરના સમાચારમાં એક સાથે અનેક વિવાદ ગાજ્યા છે- જામ્યા છે અને એ બધા જોગાનુજોગ આપણા ઈતિહાસ સાથે જ સંકળાયેલા છે.  આગ્રાનો તાજમહેલ – દિલ્હીનો કુતૂબ મિનાર- લાલ કિલ્લો કે વિવાદગ્રસ્ત અયોધ્યાની બાબરી મસ્જિદ કે પછી રામજન્મભૂમિ… જેવાં આપણાં અનેક ઐતિહાસિક બાંધકામ-સ્મારક અનેક જાતના વિવાદોમાં સદાય સંડોવાયેલાં જ રહે છે.

એક વિવાદ માંડ શાંત પડે ત્યાં દેશના બીજા કોઈ ખૂણેથી જૂનો વિખવાદ નવા સ્વરૂપે આળસ મરડીને બેઠો થઈ જાય છે. પછી એ ઐતિહાસિક વિવાદને પ્રથમ ધાર્મિક ને પછી રાજકીય રંગ લાગી જાય. છેલ્લા પખવાડિયાથી એક સાથે ચાર વિભિન્ન ધાર્મિક સ્થળે આવા વિવાદ કોર્ટે ચઢ્યા છે. આમાં એક છે કાશીની જ્ઞાનવાપી મસ્જિદ. વિવાદ નંબર બે છે તાજ્મહાલના કહેવાતા ભેદી 22 ખંડનાં દ્વાર ખોલવાનો. ત્રીજા નંબરનો વિવાદ છે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિનો અને ચોથો વિવાદ ચાલી રહ્યો છે મધ્ય પ્રદેશના ધારમાં આવેલી ભોજશાળાને લઈને…. આ બધાને લઈને વિભિન્ન ન્યાયાલયની વિવિધ તબક્કે સુનાવણી ચાલી રહી છે.

આ બધા વચ્ચે, 379 પગથિયાં ધરાવતા 238 ફૂટ ઊંચાં- અટારીઓ સાથે પાંચ માળી કુતૂબ મિનાર મૂળ હિન્દુ સ્થાપત્ય હતું. પાછળથી મુસ્લિમ શાસકોએ એની દીવાલો પર કુરાનની આયાતો લખીને એને ઈસ્લામ ધર્મનું સ્મારક બનાવી દીધું એનો વિવાદ વર્ષોથી ચાલે છે અને તાજેતરમાં એનો પણ વિખવાદ ફરી જામ્યો છે. કેટલાંક હિન્દુ સંગઠનોએ માગણી કરી છે કે આ મુસ્લિમ નામી મિનારનું નામ બદલીને એનું સત્તાવાર નામ વિષ્ણુ સ્તંભ કરવામાં આવે…. અમુક ઐતિહાસિક પુરાવા ટાંકીને એવી દલીલ કરવામાં આવી છે કે આ વિસ્તારના ૨૭ જેટલાં જૈન તેમ જ અન્ય હિન્દુ મંદિરોનો ધ્વંસ કરીને મુસ્લિમ બાદશાહ કુતૂબુદીન ઐબકે દિલ્હીના હિન્દુ રાજાને પરાજિત કરીને એની ઉજવણી રૂપે 1193માં આ ‘વિજય સ્તંભ’ બાંધ્યો હતો. જો કે, એક લોકવાયકા એવી પણ છે કે આ કહેવાતો વિજય સ્તંભ બંધાયો એ પહેલાં પૃથ્વીરાજની દીકરી આ મિનાર પર ચઢીને રોજ સૂર્યોદય વખતે જમના નદીના દર્શન કરતી હતી…! એક તરફ , પાટનગર દિલ્હીમાં કુતૂબ મિનારનું નામ ‘વિષ્ણુ સ્તંભ’ કરવા માટેની ઝુંબેશ દરમિયાન તાજેતરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા ત્યારે બીજી તરફ, પાટનગર નજીકના આગ્રામાં પણ એક જૂના વિવાદે પણ નવા સ્વરૂપે આકાર લીધો.

કોઈ એક શખ્સે અલ્હાબાદ હાઈકોર્ટને અરજી કરી કે મુમતાઝ બેગમની જ્યાં કબર છે એની નીચે આવેલા તાજમહાલના જે 22 ખંડ છે એ વર્ષોથી કોઈ કારણસર હંમેશાં બંધ રાખવામાં આવે છે એને અદાલતે ખોલાવીને તપાસ કરાવવી જોઈએ કારણ કે ત્યાં હિન્દુ દેવી-દેવતાઓનાં અનેક શિલ્પ તથા શિલાલેખો ખડકવામાં આવ્યાં છે. જો કે, એ અરજીની સુનાવણી થાય એ પહેલાં એક નવો ફણગો ફૂટ્યો. જયપુર રાજવી પરિવારના એક સભ્ય અને ભાજપના સાંસદ એવાં દિયાકુમારીએ એવો દાવો કર્યો કે તાજમહેલ બન્યો એ સ્થળે તો અમારા રાજવી પરિવારનો એક મહેલ હતો. એ જગ્યા- જમીન-મહેલ પર મુમતાઝના ખાવિંદ બાદશાહ શાહજહાંએ કશું વળતર આપ્યા વગર બળજબરી કબજો કરી લીધો હતો. દિયાકુમારી એમ પણ કહે છે કે આજે પણ તાજમહેલના જે જે કક્ષ સીલ છે એ પણ ખોલવા જોઈએ. એમના કહેવા અને દાવા મુજબ ‘તાજમહેલ અમારી સંપત્તિ છે એને લગતાં બધાં જ અધિકૃત દસ્તાવેજો અમારા ટ્રસ્ટના પોથી-ખાનામાં મોજૂદ છે!’

સાંસદ દિયાકુમારીના આ દાવા અંગે આ લખાય છે (સોમવાર 16 મે -2022) ત્યાં સુધી અદાલતની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી પરંતુ તાજમહેલના જે 22 કક્ષ ખોલવાની ભાજપના ડૉ.રજનીશ સિંહની અરજીની તીખી પ્રતિક્રિયા અદાલતે જરૂર આપી છે. એ અરજી ફગાવી દેતાં અરજીદારને આકરા શબ્દોમાં ઠમઠોરતા હાઈકોર્ટે કહ્યું છે કે આવી જાહેર હિતની અરજી કરતા પહેલાં એ વિષયનું પૂરતું રિસર્ચ કરવાની તમારે જરૂર હતી…. એના વિશે તમે Ph.D કરો પછી અમારી પાસે આવજો. તાજમહેલનું નિર્માણ કોણે ક્યારે કર્યું એ નક્કી કરવાનું કામ કોર્ટનું નથી. એવા મુદ્દા ઈતિહાસકાર પર છોડી દો. …ટૂંકમાં, કોર્ટે સમજાવી દીધું કે અમારો કિંમતી સમય બરબાદ ન કરો!

અલ્હાબાદ હાઈકોર્ટે જે મુદ્દા ઈતિહાસકારો પર છોડી દેવાની વાત કરી છે ત્યારે આ તબક્કે આપણે નિષ્ણાત સંશોધક એવા ઈતિહાસકાર પી.એન.ઓકને પણ યાદ કરવા જોઈએ . 1965માં એમણે પોતાના પુસ્તકમાં એવો દાવો કર્યો હતો કે તાજમહેલનું જ્યાં નિર્માણ થયું ત્યાં એક પ્રાચીન શિવ મંદિર હતું, જે ‘તેજો મહાલય’ તરીકે જાણીતું હતું. એનો ધ્વંસ કરીને શાહજહાંએ બેગમ મુમતાઝની કબર પર એની યાદરૂપે તાજમહેલ ખડો કર્યો હતો. ઈતિહાસકાર ઓકે ત્યારે અમુક સાંયોગિક પુરાવા પણ પેશ કર્યા હતા. અફસોસની વાત એ છે કે આપણા પુરાતત્ત્વ વિભાગ તરફથી આ વિશે અત્યાર સુધી કોઈ સત્તાવાર ખુલાસો નથી થયો.

હા, તાજેતરના 22 બંધ કક્ષની અરજીના જવાબમાં પુરાતત્ત્વ વિભાગે જાહેર કર્યું છે કે પેલા કહેવાતાં 22 ખંડ ક્યારેય સીલ નહોતા. એ આજે પણ ખુલ્લા છે અને અરજીમાં દર્શાવ્યા મુજબ એમાં કોઈ જ હિન્દુ દેવી-દેવતાની પ્રતિમાઓ કે શિલાલેખો  નથી..! અહીં પુરાતત્ત્વ વિભાગ તરફથી એક વધારાની રસપ્રદ માહિતી એ જાણવા મળી કે લોકો જેને ખંડ કહે છે એને અમે અમારા દસ્તાવેજોમાં ‘સેલ’ તરીકે ઓળખાવીએ છીએ. તાજમહેલના સંકુલમાં આવા 100થી વધુ સેલ્સ છે, જેમાં સુરક્ષાના કારણોસર જાહેર જનતાને પ્રવેશ નથી…. આમ હાલ પૂરતો તો આ તાજમહેલ પ્રકરણ પર પડદો પડી ગયો છે તો બીજી તરફ પણ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ‌અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદના ઉકેલ માટે હાઈકોર્ટ તરફથી 4 મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો છે માટે એ મોરચે પણ હમણાં કામચલાઉ શાંતિ છે….

જો કે તાજેતરના આ બધા જ વાદ-વિવાદ અને વિખવાદ વચ્ચે બધાનું જે વિશેષ ધ્યાન ખેંચાયું હોય તો એ છે જ્ઞાનવાપી મસ્જિદ. અયોધ્યાની બાબરી મસ્જિદ- રામજન્મભૂમિના ઓછામાં ઓછા 500 વર્ષ જૂના વિખવાદનો માંડ માંડ 2 વર્ષ પહેલાં 2019માં ઉકેલ આવ્યો અને હવે ત્યાં અનોખા રામમંદિરના નિર્માણની તડામાર તૈયારી ચાલી રહી છે. એ વખતની કોમી કડવાશ હવે ધીરે ધીરે ઓગળી રહી છે ત્યાં હમણાં કાશી વિશ્વનાથ મંદિરથી થોડે અંતરે આવેલું અન્ય એક ઐતિહાસિક સ્થળ જ્ઞાનવાપી મસ્જિદ તીવ્ર વિવાદના વંટોળમાં સપડાયું છે. કહે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસન વખતે જે સ્થળે આસ્થાળુના પ્રતીક સમું એક હિન્દુ મંદિર હતું એનો ધ્વંસ કરીને એક મસ્જિદ ખડી કરવામાં આવી જે એ જમાનાથી આજ સુધી જ્ઞાનવાપી મસ્જિદ તરીકે જાણીતી છે. અનેક માટે કુતૂહલ એ વાતનું છે કે આ ઈસ્લામી મઝહબ સ્થળના નામના પ્રથમ બે અક્ષર સંસ્કૃત છે! બીજા શબ્દમાં કહીએ તો અહીં જ્ઞાન સાથે વાપી એટલે કે વાપ-કૂવો કે જળાશય શબ્દ જોડાયેલો છે …અને જોગાનુજોગ કાશી વિશ્વનાથ મંદિરમાં પણ એક કૂવો છે અને કાશી એ જમાનામાં ઉત્તમ વિદ્યા – જ્ઞાન અને શિક્ષણ માટે વિશ્વભરમાં પંકાતું હતું.

આ શબ્દોની રમતમાંથી આપણે બહાર આવીએ તો હકીકત એ છે કે કાશીનું આ ધાર્મિક સ્થળ મૂળ મંદિર છે કે મસ્જિદ છે એનો વાદ-વિવાદ બન્ને કોમ વચ્ચે વર્ષોથી અવિરત ચાલ્યા કરે છે. જો કે ફરીથી આ ઝગડો વધુ ઉગ્ર થયો છે. ગયે વર્ષે વારાણસીની કોર્ટમાં રજૂ થયેલી એક અરજીથી. દિલ્હીની પાંચ મહિલાએ અરજી કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદ બહારની જે એક દીવાલ પર અમુક દેવી-દેવતાની જે મૂર્તિઓ છે એની રોજ પૂજા કરવાની પરવાનગી મળે. અગાઉ અહીં વર્ષે એક જ દિવસ પૂજાની છૂટ મળતી હતી.

આ અરજીનો અમુક મુસ્લિમ સંગઠનોએ સખ્ત વિરાધ કર્યો પછી ધર્મની એ હુંસાતુંસીમાં રાબેતા મુજબનું રાજકારણ ભળ્યું અને આજે એ વિવાદ ભારેલા અગ્નિમાં ફેરવાઈ ગયો છે. હિન્દુ-મુસ્લિમ સંગઠનો તરફથી દસ્તાવેજો અને દાખલા-દલીલોની રમત-શૂન્ય -ચોકડી જેવા દાવપેચ ચાલી રહ્યા છે. બન્ને પક્ષના ઐતિહાસિક અને પુરાતત્ત્વ પુરાવા વચ્ચે અદાલતે વાસ્તવિકતા જાણવા વિવાદાસ્પદ સ્થળ -મસ્જિદના ભોંયરા તથા પરિસરના સર્વે સાથે વીડિયોગ્રાફી કરવાનો આદેશ હમણાં તો આપ્યો છે, જેનો રિપોર્ટ 17 મે સુધીમાં આવી જવાની વકી છે. એ પછી આ જ્ઞાનવાપી મસ્જિદ-મંદિરમાં શું અંતિમ ચુકાદો આવશે એ તો એ અલ્લાહતાલા જાણે કે પછી શ્રીરામ જાણે… આપણે તો એ જ કહેવાનું કે સબ કો સન્મતિ દે ભગવાન…!

Most Popular

To Top