આણંદના વ્યાયામશાળા મેદાનમાં મજુરી કામે આવેલા પરપ્રાંતિય દંપતી વચ્ચે કંકાસ
વ્યાયામશાળા મેદાનના છાપરાંમાં રહેતાં દંપતી વચ્ચે અગમ્યકારણોસર ઝઘડો થયો
(પ્રતિનિધિ) આણંદ તા.4
આણંદ શહેરમાં મજુરી કામ અર્થે આવેલા અને વ્યાયામશાળામાં છાપરૂ બનાવી રહેતાં મધ્યપ્રદેશના દંપતી વચ્ચે કોઇ મુદ્દે ખટરાગ થયો હતો. જેમાં પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હતી. આ અંગે શહેર પોલીસને જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, પતિ જે તે સમયે ભાગી ગયો હતો. આ અંગે શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં રહેતા રાદીયાભાઈ ડામોરની દિકરી કલાબહેન (ઉ.વ.22)ના લગ્ન નજીકના ગામમાં રહેતા વરસીંગ મનુભાઈ વસુનીયા (ઉ.વ.24) સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને સાતેક મહિના પહેલા પુત્ર અર્જુનનો જન્મ પણ થયો હતો. આ દંપતી છેલ્લા કેટલાક સમયથી આણંદ મજુરી કામ અર્થે આવ્યું હતું. તેમની સાથે તેમના વતનના પણ કેટલાક માણસો હતા. આ લોકો વ્યાયામશાળા ખાતે છાપરા બનાવીને રહેતા હતા અને છુટક મજુરી કામ કરતાં હતાં. દરમિયાનમાં કલાબહેનનું કોઇ અગમ્ય કારણોસર મૃત્યું નિપજ્યું હતું. આ અંગે 3જી ફેબ્રુઆરીના રોજ વ્હેલી સવારે પોલીસને જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને કલાબહેનનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ આ મામલો શંકાસ્પદ જણાયો હતો. આ ઘટનામાં પોસ્ટમોર્ટમમાં કલાબહેનનું મૃત્યું ગળુ દબાવીને થયાનું ખુલ્યું હતું. આથી, પોલીસે રાદીયાભાઈ ડામોરની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે, આ હત્યા પાછળ કલાબહેનનો પતિ વરસીંગ જ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. આથી, પોલીસે વીરસીંગ સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.
