Vadodara

અધિકારીઓ ગરબામાં વ્યસ્ત, તાંદલજામાં પાઇપલાઇનમાં ભંગાણ: લાખો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વેડફાયું

એક જ સ્થળે વારંવાર લીકેજ થતાં પાલિકાની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો; કાયમી નિકાલ લાવવા સ્થાનિકોની માંગ

વડોદરા:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ શહેરના નાગરિકોને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગરબા જેવી પ્રવૃતિઓમાં રચ્યા પચ્યા રહેતા અધિકારીઓથી પાલિકાની કથળતી કામગીરી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લાખો લિટર શુદ્ધ પાણીનો બગાડ થઈ રહ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજાના પત્રકાર ચાર રસ્તા પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું. જેને પગલે સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે.
​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પત્રકાર ચાર રસ્તા પાસે એક જ સ્થળે વારંવાર પાઈપલાઈન લીકેજ થવાની સમસ્યા સર્જાય છે. ભૂતકાળમાં પણ આ જ જગ્યાએ અનેક વખત ભંગાણ પડતા તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામચલાઉ અને ગુણવત્તા વગરના સમારકામના કારણે થોડા જ દિવસોમાં ફરીથી પાઈપલાઈન ફૂટી જાય છે. શુદ્ધ પાણીનો ધોધમાર પ્રવાહ રસ્તા પર વહેતો હોવાથી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ નજીકના વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઘટી જતાં ઘરો સુધી પૂરતું પાણી પહોંચતું નથી.
​આ સમગ્ર મામલે તાંદલજા વિસ્તારના સામાજિક કાર્યકર વક્કાર પટેલે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો પીવાના પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે અહીં તંત્રની બેદરકારીના કારણે લાખો લિટર શુદ્ધ પાણી વેડફાઈ રહ્યું છે. એક જ સ્થળે વારંવાર લાઈન તૂટતી હોવા છતાં પાલિકાના અધિકારીઓ માત્ર થીગડાં મારવાનું કામ કરે છે. આ સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવા માટે ટેકનિકલ ધોરણે મજબૂત કામગીરી કરવી અત્યંત જરૂરી છે.
​શહેરમાં સમયાંતરે વિવિધ સ્થળોએ પાઈપલાઈનોમાં ભંગાણની ફરિયાદો ઉઠતી રહે છે, જે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી નબળી ગુણવત્તાની કામગીરી તરફ આંગળી ચિંધે છે. હવે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર આ બાબતને ગંભીરતાથી લે અને વારંવાર લીકેજ થતી આ લાઈનનું કાયમી નિરાકરણ લાવે. સાથોસાથ, આ પ્રકારની નબળી કામગીરી કરનાર જવાબદાર એજન્સી કે કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અમૂલ્ય જળનો બગાડ અટકાવી શકાય.

Most Popular

To Top